ગુજરાતના પૂર્ણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લઈને મોટા સમાચાર;નીતિન પટેલને સોંપાઈ શકે છે ઉત્તર પ્રદેશના પ્રભારીની જવાબદારી
રાજ્યસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. આગામી રાજ્યસભાની ચૂંટણીને લઇને ગુજરાત ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે. રાજ્યસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ હવે ગુજરાતના પૂર્ણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પાર્ટી હાઈકમાન્ડ મહત્વની જવાબદારી સોંપી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, નીતિન પટેલને ઉત્તર પ્રદેશના પ્રભારીની જવાબદારી સોંપાઈ શકે છે.
થોડા દિવસ અગાઉ મહેસાણાના કડીમાં નીતિન પટેલના જન્મ દિવસ પર યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન સી.આર પાટીલે સ્ટેજ પરથી નીતિન પટેલને મોટી જવાબદારી સોંપવામાં આવે તેવો સંકેત આપ્યો હતો. જે બાદથી નીતિન પટેલને રાજ્યસભાની ટિકિટ આપવાની પણ ચર્ચા ચાલી રહી છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પટેલે જણાવ્યું હતું કે, પોલિટિકલ પાર્ટીના એક કાર્યકર્તા ૪૦ વર્ષ પહેલા પોતાની કારકિર્દી શરૂ કરે છે. તમારા બધાના સાથ અને સહકાર સાથે સહકારી તંત્રમાંથી ધીમે-ધીમે રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. એક પછી એક વિધાનસભાની ચૂંટણી જીતતા જાય છે. જીતતા-જીતતા ગુજરાતના ડેપ્યુટી સીએમના પદ સુધી પહોંચી જાય છે. આજે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ૬૮મા જન્મ દિવસ નિમિતે તમે તેમને શુભેચ્છા આપવા માટે આવ્યા છો, તે દર્શાવે છે કે તમને તેમના માટે અત્યંત પ્રેમ છે. અત્યંત આદર છે, હજુ તેઓ રાજકીય ક્ષેત્રમાં આગળ વધે તેવી અપેક્ષા છે.
તેમણે જણાવ્યું હતું કે, નીતિનભાઈને બધાએ કામ કરતા જોયા છે. નીતિનભાઈ ફક્ત ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં જાણીતા છે. મને ખબર પડી કે હમણાં હમણાં તેઓ હિન્દી પણ શીખી રહ્યા છે. નીતિનભાઈ હિન્દીમાં બોલશે એટલે આપણે કલ્પના કરવાની કે કેટલા ગુજરાતી શબ્દો આવે છે. નીતિનભાઈ મારા કરતા એક વર્ષ નાના છે, મારા ૬૮ પૂરા થયા અને તેમના ૬૭ પૂરા થયા. તેમની સાઈઝ પણ મારા કરતા ઓછી છે, પરંતુ નીતિનભાઈની હાઈટ બહુ મોટી છે.