ઓગસ્ટ મહિનામાં રાજ્ય થશે પાણી પાણી : અંબાલાલ પટેલની આગાહી
18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 17 અને 18 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.
તેમણે કહ્યું, ગુજરાતમાં અતિવૃષ્ટી થશે. ઓગસ્ટ મહિનામાં ગુજરાત પાણી પાણી થશે. 17 જુલાઈથી ભારેથી અતિભારેથી વરસાદની આગાહી છે. નર્મદા, તાપી સહિતની નદીઓમાં પુર આવશે, સરદાર સરોવર ડેમ છલકાશે.રાજ્યમાં 109 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જૂનાગઢના કેશોદમાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરતના પલસાણામાં સાડા ચાર ઈંચ વરસાદ પડ્યો છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર વરસાદનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું પણ અનુમાન છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
ગુજરાતમાં ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ફરી ગુજરાતમાં વરસાદી માહોલ બને તેવું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ દરિયાકાંઠાના વિસ્તારમાં 17 જુલાઇ બાદ ભારે વરસાદ થઇ શકે છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમા ફરી એકવાર મેધરાજાની તોફાની બેટિંગ આફતરૂપ બની શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ એટલે 17 જુલાઇ બાદ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો અનુમાન છે. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને 18 જુલાઇ બાદ વરસાદનું જોર વધવાની શકયતા છે. આ દિવસોમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડવાનો અનુમાન છે. ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, અને દાહોદ તથા સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.