અરબી સમુદ્રમાંથી ઉદભવેલું ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તે પહેલા જ ખતરનાક સ્વરૂપ ધારણ કરી લીધું છે. ભારે પવન સાથે વરસાદ ચાલુ છે. આનાથી લગભગ 100 ટ્રેનો પ્રભાવિત થઈ છે. 10 કિમી સુધીના દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે.
આ વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાનું કામ પણ ચાલી રહ્યું છે. હવામાન વિભાગના મહાનિર્દેશક ડો.મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે વાવાઝોડાને કારણે દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર, જામનગર અને વલસાડમાં પવનની ઝડપ વધી રહી છે. અહીં બુધવાર સુધીમાં પવનની ઝડપ 70થી 75 કિમી સુધી પહોંચી શકે છે.
સોમવારે સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 51 તાલુકાઓમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. ખંભાળિયામાં સાડા ત્રણ ઈંચ, મેંદરામાં અઢી ઈંચ, ઉપલેટા અને જૂનાગઢમાં બે-બે ઈંચ વરસાદ નોંધાયો છે. અમરેલી અને જામનગરમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે. સાવચેતીના પગલા રૂપે, પશ્ચિમ રેલ્વેએ 16 જૂન સુધી ચક્રવાતની સંભાવનાવાળા વિસ્તારોમાં 67 ટ્રેનો રદ કરી છે. સૌરાષ્ટ્રના ઓખા, પોરબંદર અને જામનગરથી દોડતી 25 ટ્રેનોને હવે રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદથી દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.