વાંકાનેરમાં દારૂબંધીના ધજાગરા…: ખાનગી શાળા સામે છેલ્લા બે વર્ષથી ચાલતા દેશી દારૂના હાટડા બંધ કરાવવા શાળાએ રજૂઆત કરવી પડી….
શાળા સામે ચાલતા હાટડાથી વિદ્યાર્થીઓ અને સમાજ પર શું અસર પડશે ? : બે વર્ષથી નિદ્રાધીન વાંકાનેર પોલીસને જગાડવા શાળાએ લેખિતમાં રજૂઆત કરી…
વાંકાનેર શહેરમાં રીતસર દારૂબંધીના ધજાગરા ઉડાતો બનાવ સામે આવ્યો છે, જેમાં વાંકાનેરની એક ખાનગી શાળાની સામે છેલ્લા બે વર્ષથી ચાલતા દેશી દારૂના હાટડાથી કંટાળી આખરે શાળા દ્વારા નિદ્રાધીન પોલીસને લેખિતમાં અરજી કરી વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ દેશી દારૂનો હાટડા બંધ કરવા રજૂઆત કરતા ખળભળાટ મચી ગયો છે…
બાબતે વાંકાનેરની નિર્મલા કોન્વેન્ટ સ્કુલના પ્રિન્સીપાલ દ્વારા આજે વાંકાનેર સીટી પોલીસ અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકને અરજી કરતા પત્ર સાથે મિડિયાને બાબતની માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી અમારી શાળા સામે દેશી દારૂના હાટડા ધમધમી રહ્યા છે, જે બાબતે અનેક વાર હાટડા સંચાલકોને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરાવવા જણાવ્યા બાદ પણ આ હાટડા શરૂ રહ્યા છે. આ બધા વચ્ચે રોજબરોજ ચાલતી આ અસામાજિક પ્રવૃત્તિઓના કારણે શાળાના બાળકો પર કોઈ વિપરીત અસર પડે અથવા કોઈ અઘટિત ઘટના બને તે પુર્વે આ દેશી દારૂનાં હાટડા બંધ કરાવવા અનિવાર્ય બન્યાં છે….
પ્રિન્સીપાલ દ્વારા વાલી મિટિંગમાં વાલીઓને જાણ કરી સાવચેત રહેવા અપીલ કરવી પડી…
બાબતે ગઇકાલે શાળા દ્વારા ખાસ આ મુદ્દે વાલી મિટિંગ બોલાવી અને શાળા સામે ચાલતી આ અસામાજિક પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી અને વાલીઓને સાવચેત રહેવા જણાવ્યું હતું, જે બાદ જાગૃત વાલીઓ દ્વારા બાબતની જાણ વાંકાનેર સિટી ન્યુઝ સમક્ષ કરતાં પ્રશ્ન ઉજાગર થયો છે. આ સાથે જ જાગૃત વાલીઓ દ્વારા શાળા સામે ચાલતા દેશી દારૂના હાટડા પર જનતા રેડ કરવાની પણ તૈયારીઓ દર્શાવી છે…