વાંકાનેરના વરડુસર નજીક પાણીનો ડાર કરાવતા બે યુવાન ઉપર મહિલા સહિત ચાર વ્યક્તિનો હુમલો
વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાં ખરાબામાં પાણીનો ડાર કરાવતા બે યુવાન ઉપર મહિલા સહિત ચાર વ્યક્તિ દ્વારા પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ઢીકાપાટુ અને છૂટા પથ્થરના ઘા કરીને ઇજા કરવામાં આવી હતી જેથી ઈજા પામેલા બંને વ્યક્તિઓએ સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યુવાને સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વરડુસર ગામે રહેતા અને ખેતી કામ કરતા મોમભાઈ નાથાભાઈ ડાભી જાતે ભરવાડ (૩૪)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજાભાઈ હીરાભાઈ ડાભી, વેજીબેન હીરાભાઈ ડાભી, વિશાલ હીરાભાઈ ડાભી અને મહેશ હીરાભાઈ ડાભી રહે. બધા વરડુસર ગામ ધોરા સગો માર્ગ ઉપર આવેલ વાડી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે વાંકાનેરથી રાજગઢ ગામ તરફ જવાના રસ્તા ઉપર ધોરો સગો માર્ગ પર આવેલ ખરાબાની જગ્યામાં ફરિયાદી મોમભાઇ તથા રણજીતભાઈ પાણીનો ડાર કરાવી રહ્યા હતા અને ત્યાં ઉભા હતા ત્યારે આરોપીઓએ ત્યાં આવીને ભૂંડા બોલી ગાળો બોલી હતી અને ત્યારબાદ રાજાભાઈ હીરાભાઈએ તેના હાથમાં રહેલ લોખંડના પાઇપ વડે ફરિયાદીને ડાબા હાથમાં મારમારીને ઈજા કરી હતી અને માથામાં પણ માર માર્યો હતો. તેમજ અન્ય આરોપીઓએ ઢીકાપાટુ મારમારીને પથ્થરના છુટા ઘા કરીને ઇજાઓ કરી હતી જેથી ફરિયાદી મોમભાઈ તથા રણજીતભાઈને ઈજા થઈ હોવાથી તે બંનેને સારવાર માટે લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ મોમભાઈ ડાભીએ હાલમાં મહિલા સહિત ચાર વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે