યુપીમાં વધુ એક ગેંગસ્ટરનો ખાતમો થયો છે. લખનઉના વજીરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુખ્તાર અંસારી નજીકના સાથી સંજીવ જીવાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. વકીલોના ડ્રેસમાં આવેલા હુમલાખોરે ધડાધડ ગોળીઓ ચલાવતાં સંજીવ માહેશ્વરી ઉર્ફ જીવા કોર્ટ પરિસરમાં માર્યો ગયો હતો. હુમલાખોરના ગોળીબારમાં બીજા લોકો અને બાળકીને પણ ગોળી વાગી હતી. બાળકીનું મોત થયું હોવાનું પણ કહેવાય છે. આ ઘટનાથી ખળભળી ઉઠેલા વકીલો કોર્ટ પરિસરમાં પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.
સંજીવ જીવા ભાજપના નેતા બ્રહ્મદત્ત દ્વિવેદીની હત્યાનો આરોપી હતો. આ ઉપરાંત તે બીજા ઘણા કેસોમાં આરોપી હતો. પશ્ચિમ ઉત્તર પ્રદેશના કુખ્યાત માફિયા હતો. સંજીવ જીવા પશ્ચિમ યુપીના મુઝફ્ફરનગરનો રહેવાસી હતો. મુખ્તાર અંસારી સાથે તેમનો નજીકનો સંબંધ છે. તે મુખ્તારનો શૂટર રહી ચૂક્યો છે. પ્રખ્યાત કૃષ્ણાનંદ રાય હત્યા કેસમાં પણ તેમનું નામ સામે આવ્યું હતું. સંજીવ યુપીની મૈનપુરી જેલમાં બંધ હતો.
1990ના દાયકામાં સંજીવ મહેશ્વરીએ પોતાનો ડર પેદા કરવાનું શરૂ કર્યું, ત્યારબાદ ધીરે ધીરે તે પોલીસ અને સામાન્ય લોકો માટે માથાનો દુખાવો બની ગયો. શરૂઆતના દિવસોમાં, તે ડિસ્પેન્સરી ઓપરેટર સાથે કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો. આ નોકરી દરમિયાન જીવાએ તેના માલિક એટલે કે ડિસ્પેન્સરી ઓપરેટરનું અપહરણ કર્યું હતું. આ ઘટના બાદ તેણે 90ના દાયકામાં કોલકાતાના એક બિઝનેસમેનના દીકરાનું પણ અપહરણ કર્યું હતું અને 2 કરોડની ખંડણી માંગી હતી.