કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. જે મુજબ રાજ્યસભાની ૧૦ બેઠકો માટે આગામી ૨૪ જુલાઈના રોજ ચૂંટણી યોજાશે. રાજ્યસભાની ચૂંટણી માટે ૧૩ જુલાઇએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. ૨૪ જુલાઈ ચૂંટણી પૂર્ણ થયા બાદ સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ૨૪ જુલાઈના રોજ ગોવા, ગુજરાત, પશ્ચિમ બંગાળની ૧૦ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે.
રાજ્ય સભામાં જુલાઈ અને ઓગસ્ટમાં ૧૦ બેઠકો ખાલી થઈ રહી છે, જેમાં વિદેશ મંત્રી એસ. જયશંકર (ગુજરાત) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા ડેરેક ઓ’બ્રાયન (પશ્ચિમ બંગાળ)ની સીટો પણ સામેલ છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી (BJP)ના ગોવાના સભ્ય વિનય ડી. તેંડુલકર, ગુજરાતમાંથી જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયા, પશ્ચિમ બંગાળથી TMC સભ્યો ડોલા સેન, સુસ્મિતા દેવ, શાંતા છેત્રી અને સુખેન્દુ શેખર રાયનો સમાવેશ થાય છે. કોંગ્રેસના સભ્ય પ્રદીપ ભટ્ટાચાર્યનો કાર્યકાળ પણ ઓગસ્ટમાં પૂરો થઈ રહ્યો છે.
આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન અનુસાર, ઉપલા ગૃહના ૧૦ સભ્યો તેમનો છ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવાના કારણે ૨૮ જુલાઈથી ૧૮ ઓગસ્ટની વચ્ચે સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. અન્ય એક નિવેદનમાં પંચે કહ્યું છે કે, પશ્ચિમ બંગાળમાંથી TMCના લુઇઝિન્હો જોઆકિમ ફાલેરિયોના રાજીનામા બાદ રાજ્યસભામાં ખાલી પડેલી જગ્યા ભરવા માટે ૨૪ જુલાઈએ પેટાચૂંટણી પણ યોજાશે. તેમણે એપ્રિલમાં રાજીનામું આપ્યું હતું, જોકે, તેમનો કાર્યકાળ એપ્રિલ, ૨૦૨૬માં પૂરો થવાનો હતો.
ગુજરાતની ત્રણેય બેઠકો પર કોને-કોને રિપીટ કરવામાં આવશે અને કોને પડતા મુકી દેવામાં આવશે, આ એક મોટો સવાલ છે. રાજકીય વર્તુળોમાં વિદેશ મંત્રી એસ જયશંકરને ફરી રિપીટ કરાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં ભાજપનો દબદબો યથાવત રહેશે, કારણ કે કોંગ્રેસ વિધાનસભામાં નબળી સ્થિતિમાં છે, આવી સ્થિતિમાં ત્રણેય બેઠકો પર ફરીથી ભાજપની જીત નિશ્ચિત છે.