રાજકોટ: રાજકમલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ,એક કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટેગાટો જોવા મળ્યા ;૭૦ લાખનું ફર્નિચર બળીને ખાખ
રાજકોટના અશોક ગાર્ડન નજીક રાજકમલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. ઘટનાની જાણ થતાં જ ૮ ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગયાં છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. ફર્નિચરના ગોડાઉનના માલિક રાજેશભાઈ પરસાણાએ જણાવ્યું હતું કે, અંદાજિત ૬૦ થી ૭૦ લાખનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું છે. આગ એટલી વિકરાળ છે કે, એક કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટેગાટો જોવા મળી રહ્યા છે.
ફર્નિચરના ગોડાઉનમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. હાલ 60થી ૭૦ લાખનું નુકસાન પહોંચ્યું છે. જો આગ વધુ વિકરાળ બને તો નુકસાનીનો આંક વધી શકે છે. હાલ ફાયર વિભાગની ૮ ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
ફાયર ચીફ ઓફિસર આઈ.વી. ખેરે જણાવ્યું હતું કે, આજે મવડી આનંદ બંગલા ચોક પાસે રાજકમલ સ્ટીલ ફર્નિચરમાં અમને આગ લાગ્યાનો મેસેજ મળ્યો હતો. આથી તાત્કાલિક મવડી ફાયર સ્ટેશનથી ગાડી મોકલી હતી. બાદમાં વધુ ધુમાડા દેખાતા વધુ ગાડી બોલાવી હતી. આગ ગ્રાઉન્ડ ફ્લોરથી ટોપ ફ્લોર સુધી પહોંચી ગઈ હતી. આખી બિલ્ડિંગ બળીને ખાખ થઈ છે. આગ હાલ કંટ્રોલમાં છે. માત્ર ટોપ ફ્લોર પર આગ છે જે બુઝાવવામાં આવી રહી છે.
રાજેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ફર્નિચરના ગોડાઉનમાં વર્કરો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક નાનો સ્પાર્ક થયો હતો. જેમાંથી આગ પ્રસરી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. જો કે સદનસીબે ફર્નિચરના ગોડાઉનમાં કામ કરતા તમામ લોકો સુરક્ષિત છે. હાલ કોઈ જાનહાનિ પહોંચી નથી. કંપનીમાં ૬૦ લોકો કામ કરે છે અને તમામ સુરક્ષિત છે. ફર્નિચરની તમામ પ્રોડક્ટ આગમાં ખાખ થઈ ગઈ છે.
ફર્નિચરના ગોડાઉનમાં વિકરાળ આગની ચપેટમાં કર્મચારીઓનાં વાહનો પણ આવ્યાં છે. ત્રણથી ચાર ટુવ્હીલર બળીને ખાખ થઈ ગયાં છે. આગ વધુ પ્રસરતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ છે. જો કે, ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે.
ભીષણ આગને કારણે આસપાસમાંથી લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં છે. જો કે, પોલીસ દ્વારા લોકોને આગથી દૂર રહેવા જણાવવામાં આવ્યું છે. ગોડાઉનમાં ફર્નિચરની વસ્તુઓ હોવાથી વધુ પ્રસરી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
આનંદ બંગલા ચોક નજીક અશોક ગાર્ડન સામે રાજકમલ સ્ટીલ અને ફર્નિચર શો રૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સવારના ૧૧.૧૫ વાગ્યા આસપાસ શોરૂમમાં માણસો કામ કરી રહ્યા હતા દરમિયાન શોટ સર્કિટ થતા આગ લાગવા પામી હતી. ફર્નિચર શોરૂમ અને ગોડાઉન હોવાથી અંદર પડેલ ફોર્મ, કેમિકલ અને લાકડાની વસ્તુ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બનાવની જાણ થતા મવડી ફાયર વિભાગની ૮ જેટલી ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને લગભગ ૨ થી ૩ વાગ્યા આસપાસ આગ કાબૂમાં આવે તેવી શક્યતાછે