રાજકોટ: બિયરની બાતમીના આધારે શાપર પોલીસે ડુપ્લીકેટ સીરપની ફેકટરી પકડી; રૂ.૬.૧૨નો મુદ્દામાલ જપ્ત કરાયો
રાજકોટની ભાગોળે, પડવલા જીઆઇડીસીના એક ગોડાઉનમાં દરોડો પાડી શાપર પોલીસે શંકાસ્પદ સીરપની ૪૮૫૦ બોટલ ઝડપી છે. આ બોટલો અને અન્ય માલ મળી રૂ.૬,૧૨,૭૫૦નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, બાતમી તો બિયરની જ હતી. પણ દરોડામાં ડુપ્લીકેટ સીરપની ફેકટરી પકડાઈ છે.
આ અંગે જાણવા મળતી માહિતી મુજબ, રાજકોટ જિલ્લા એસપી જયપાલસિંહ રાઠોડએ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ નાબુદ કરવા સુચન કરેલ હોય જે અનુસંધાને ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ શાપર (વેરાવળ) પીએસઆઈ એસ.જે. રાણા સ્ટાફ સાથે કોમ્બીંગ નાઇટ રાઉન્ડમાં હતા દરમ્યાન પીએસઆઈ એસ.જે.રાણાને ખાનગીરાહે હકીકત મળેલ કે પડવલા ગામની સીમના રેવન્યુ સર્વે નં ૯૩, પ્લોટ નં.૨૩માં આવેલ ગોડાઉનમાં સલીમભાઇ કાણીયો(રહે.રાજકોટ) બિયરનો જથ્થો રાખીને વેચાણ કરે છે.
જેથી સ્થળ પર દરોડો પાડતા નશીલા પદાર્થની જણાતી ડુપ્લીકેટ આયુર્વેદિક સિરપ બનાવવાની ફેકટરી મળી આવી હતી. પોલીસે આયુર્વેદીક હર્બલ સીરપના નામે નશીલ પ્રવાહી ભરેલ ૪૮૫૦ બોટલો. જેની કિંમત રૂ.૪,૮૧,૦૦૦ તેમજ આયુર્વેદીક હર્બલ સિરપના નામે નશીલુ પ્રવાહી બનાવવા માટેના એસેન્સ ફ્લેવર ૨૫ બોટલો, જેની કિંમત રૂ.૯,૯૫૦ તથા પ્લાસ્ટીકની ખાલી બોટલો અને ઢાંકણા ૧૦,૫૦૦ નંગ, જેની કિંમત ૬૯,૦૦૦ તેમજ નશીલુ પ્રવાહી બનાવવા ઉપયોગમાં પેકર મશીન, વલોણા મશીન તથા ઇલેક્ટ્રીક મોટર મળી ૬ મશીન, જેની કિંમત રૂ.૩૦,૦૦૦, તેમજ અન્ય સાધનો જેમાં પ્લાસ્ટીકની મોટી ટાંકી, ટબ તથા મોટા જગ તથા કેન મળી ૧૮૭ નંગ, જેની કિંમત રૂ.૨૨,૮૦૦, એમ મળી કુલ રૂ.૬,૧૨,૭૫૦નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં પીએસઆઈ એસ.જે.રાણા, આર.વી. ભીમાણી, જી.એલ.ગજેરા, હેડ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ જાડેજા, તુષારસિંહ જાડેજા, મહેન્દ્રભાઇ ધાંધલ, હરદિપસિંહ જાડેજા, કોન્સ્ટેબલ લગધિરસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ ગોહિલ, દુષ્યંતસિંહ વાળા, દિગ્વીજયભાઇ મકવાણા, પીયુષભાઇ અઘેરા, પ્રવિણભાઇ મેસવાણીયા, જયસુખભાઇ જીલીયા વગેરે ફરજ પર રહ્યા હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, હાલ સીરપનો જથ્થો અને અન્ય સાધન સામગ્રી જપ્ત કરાઈ છે. દરોડા બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરાઈ છે. હવે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તપાસ કરશે કે આરોપીઓ પાસે આયુર્વેદિક સીરપ બનાવવાનું લાયસન્સ હતું કે નહીં? બોટલમાં નશાનું કેટલું પ્રમાણ હતું? વગેરે બાબતો અંગે ચકાસણી થશે.
શાપર પોલીસના પીએસઆઈ એસ.જે. રાણાએ જણાવ્યું કે, હાલ કથિત સીરપનો જથ્થો કબ્જે લેવાયો છે. જેમાંથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરી નમૂના લેવાયા છે અને આ નમૂના પુથ્થુકરણ માટે લેબોરેટરી મોકલાયા છે. જો આલ્કોહોલની હાજરી ૧૧ ટકાથી વધુ હશે તો ગુનો નોંધવામાં આવશે. હાલ સલીમ કાણીયાની શોધખોળ ચાલુ છે. જો તે મળી આવે તો તે ક્યાં ક્યાં સપ્લાય કરતો તે અંગે ખુલાસા થઈ શકે છે.
પોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે બેમાંથી એક પણ આરોપી હાજર નહોતા. જેથી ત્યાં કામ કરતા શ્રમિકોને પૂછતાં આશરે અઢી માસથી આ ફેકટરી ચાલતી હતી.