રાજકોટ શહેરની ભાગોળે આસોપાલવ સોસાયટીમાં રહેતા અને બેડી યાર્ડમાં વેપાર કરતાં યુવકે પડધરીના ખજૂરડી ડેમમાં પડતું મૂકી જીવનનો અંત આણી લીધો હતો. આર્થિક સંકડામણથી કંટાળી પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.
કોઠારિયા ચોકડી પાસેની આસોપાલવ સોસાયટીમાં રહેતો સાગર સુરેશભાઇ પીપળિયા (ઉ.વ.27) મંગળવારે સવારે નિત્યક્રમ મુજબ વેપારના કામે બેડી યાર્ડે ગયો હતો અને ત્યાંથી બાઇક લઇને પડધરીના ખજૂરડી પહોંચ્યો હતો. ખજૂરડીમાં તેના સુરાપુરાની ડેરીએ દર્શન કરી ખજૂરડી ડેમે જઇ બાઇક, પર્સ અને બેગ કાંઠે મૂકી ડેમમાં ઝંપલાવી લીધું હતું.
ઘટનાને પગલે આસપાસના વિસ્તારના લોકો એકઠા થઇ ગયા હતા અને જાણ કરાતા પડધરી પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. પોલીસ પહોંચી ત્યારે જ સાગરના મોબાઇલમાં રિંગ રણકી હતી અને ફોન રિસીવ કરતાં સામેથી સાગરનો મોટોભાઇ કિશન વાતચીત કરતો હોય પોલીસે તેને ઘટનાની જાણ કરતાં પીપળિયા પરિવાર ત્યાં દોડી ગયો હતો.
આર્થિક ખેંચથી કંટાળી યુવકે પગલું ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. લોધિકાના ચાંદલી ગામના વતની સાગર પીપળિયાના લગ્ન એક વર્ષ પૂર્વે જ થયા હતા. યુવાન પુત્રના આપઘાતથી પીપળિયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.