
રાજકોટે સોના ચાંદી અને ઇમિટેશન જવેલરી બનાવવામાં દિવસેને દિવસે હરણફાળ ગતીએ આગળ વધી રહ્યું છે, પરંતુ તેની સાથે સાથે વેપારીઓ માટે ચિંતાનો વિષય બનતી એક સમસ્યા છે કારીગરો દાગીના ઓળવી જવાની. રાજકોટ બી ડિવિઝન પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ રાજકોટમાં ચાંદીના દાગીના બનાવવાનું કામ કરતા 3 વેપારી સાથે દાગીના પાલીસ કરવાનું કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના ૩ પિતા પુત્રોએ કુલ ૧૨૨.૪૦૮ કિલોગ્રામ ચાંદી ઓળવી જઇ પરત ન આપી કુલ રૂ. ૫૬.૩૩ લાખની છેતરપિંડી આચરતા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
ફરિયાદી અંકિતભાઇ બાબુભાઇ દુધાત્રા (ઉ.વ.૨૯)એ જણાવ્યું હતું કે, ગાયત્રી સિલ્વર નામે ચાંદીની પેઢી આવેલ છે જયા ચાંદીનાં દાગીનાં બનાવવાનું કામ કરુ છુ. મારી પેઢી જે છેલ્લા આઠેક વર્ષથી હું ચલાવુ છુ. આ પેઢીનો હું પ્રોપરાઇટર છુ. આ મારી પેઢીમાં હું ચાંદીનાં દાગીનાં તૈયાર કરીને ગુજરાત રાજય ઉપરાંત ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્લી સહીત અલગ અલગ રાજયમાં ચાંદીનાં દાગીના તૈયાર કરીને વેપારીઓ સાથે વેપાર કરુ છુ. અમારી પેઢીમાં આશિષભાઇ રંગાણી મેતાજી તરીકે કામ કરે છે.
છેલ્લા આઠેક મહિના પહેલા મૂળ ઉત્તરપ્રદેશના શિવમ તિવારી તથા તેનો ભાઇ યશ તીવારી તેમજ શિવમનાં પિતા ધિરેન્દ્ર તિવારી ચાંદીનાં દાગીનાં પાલીસ કરવાનો પ્લાન્ટ ચલાવતા હતા જે પ્લાન્ટ સંતકબીર રોડ આવેલ છે. આ લોકોને અમો અવાર નવાર ચાંદીનાં દાગીનાં તૈયાર કરીને દાગીનાં પાલીશ કરવા મજુરીથી આપતા હતા અને આ લોકો ચાંદીનાં દાગીનાં પોલીસ કરીને અમો ને સમયસર પરત આપતા હતા.
ગઇ તા.૦૪.૦૪.૨૦૨૩ નાં રોજ શિવમ તિવારી તથા તેનો ભાઇ યશ તીવારી તથા તેનાં પિતા ધિરેન્દ્ર તીવારીને કુલ ૫૩.૨૦૦ કિલોગ્રામ ચાંદીનાં દાગીનાં તૈયાર કરીને પાલીશ કરવા આપેલ હતા. જેની કિંમત આશરે ૨૭.૩૭ લાખ થાય છે. ચાંદીનાં દાગીના બે દિવસમાં પાલીસ કરીને પરત આપવાનાં હતા. બે દિવસ બાદ આ શિવમને ફોન કરતા તેનો મોઇબાલ નંબરમાં વાત કરતા તેણે જણાવેલ કે હું તથા મારો ભાઇ તથા મારા પિતા અમારા વતનમાં કામ સબબ આવેલ છીએ અને તમારા ચાંદીનાં દાગીનાં જે રાજકોટ ખાતે અમારી પેઢીમાં પડેલ છે. બાદ આ શિવમ જે અવાર નવાર ફોન કરતા આ લોકો પરત રાજકોટ ખાતે આવેલ ન હતા.
આ પછી અવારનવાર શિવમ તથા શિવમના ભાઇ અને તેના પિતાને ફોન કરતા ત્યારે આ લોકો કહેતા હતા કે હાલમાં અમો અમારા વતનમાં કામથી રોકાયેલ છીએ અને અમો પરત રાજકોટ ખાતે આવીને તમારા ચાંદીનાં દાગીનાં પરત આપી દઇશુ એ રીતેની વાત કરતા હતા અને અમારા ચાંદીનાં દાગીના પરત આપેલ ન હતા. આ પછી તા. ૨૭.૦૪.૨૦૨૩ નાં રોજ અમો ઝાંસી ખાતે આ શિવમ તીવારીનાં ઘરે ગયેલ હતા અને અમોને આ શિવમ તિવારી તથા તેનો ભાઇ તથા તેનાં પિતા મળેલ હતા અને અમોએ અમારા ચાંદીનાં દાગીનાં બાબતે વાત કરેલ હતી અને આ લોકોએ અમોને જણાવેલ કે હાલમાં અમારે ધંધામાં મોટી નુકશાની ગયેલ છે અને અમોએ તમારા ચાંદીનાં દાગીનાં ઓગાળી નાખેલ છે. હાલમાં અમારી પાસે તમારા દાગીનાં નથી હું તમોને તમારા નિકળતા રૂપીયા ૨૭.૩૭ લાખ તમને આપી દઇશ તેવો વાયદો કરેલ હતો.
ત્યાર બાદ રાજકોટ ખાતે પરત આવતા અમોને જાણવા મળેલ કે, જયેશભાઇ જેઠાભાઇ ભંડેરી “શુભ” નામની પેઢી ધરાવે છે જેઓએ પણ આ શિવમ તિવારી તથા તેનાં ભાઇ યશ તીવારી અને શિવમનાં પિતા ધીરેન્દ્ર તીવારી સાથે તૈયાર ચાંદીનાં દાગીનાનો વેપાર કરેલ હતો અને આ લોકોને જયેશભાઇએ ૨૮.૮૬૨ કિલોગ્રામ ચાંદીનાં તૈયાર દાગીનાં આપેલ હતા જેની કિંમત ૧૪,૦૦,૦૦૦ થાય છે જેના બદલામાં આ લોકોએ એચ.ડી.એફ.સી. બેન્ક ઝાંસી, ઉત્તર પ્રદેશ નાં બે ચેક કુલ રૂપીયા ૧૪,૦૦,૦૦૦નાં આપેલ હતા જો કે તેમને પણ આજ દિવસ સુધી રૂપીયા આપેલ નથી.
તેમજ કિશોરભાઇ ખીમજીભાઇ હાપલીયા રાધે સિલ્વર પેઢી વાળાએ પણા આ શિવમ તિવારી સાથે તૈયાર ચાંદીનાં દાગીનાનો વેપાર કરેલ હતો અને આ લોકોને કિશોરભાઇએ કિગ્રા ૪૦.૩૪૬ ચાંદીનાં તૈયાર દાગીનાં આપેલ હતા જેની કિંમત ૧૪.૯૬ લાખ થાય છે જેના બદલામાં પણ આ લોકોએ એચ.ડી.એફ.સી. બેન્ક ઝાંસી, ઉત્તર પ્રદેશનો એક ચેક જે રૂપીયા ૧૪,૯૬,૦૩૦ નો આપેલ હતો અને આ લોકોએ આ કિશોરભાઇને પણ તેઓએ આપેલ હતા જો કે તેમને પણ આજ દિવસ સુધી રૂપીયા આપેલ નથી.
આમ રાજકોટ સંતકબીર રોડ પર ધ શિવ ઓર્નામેન્ટ નામે પેઢી ચલાવતા શિવમ તીવારી, શિવમનો ભાઇ યશ તીવારી અને શિવમનાં પિતા ધિરેન્દ્ર તિવારીએ કુલ- ૫૩.૨૦૦ કિલોગ્રામ જેની કિંમત ૨૭.૩૭ લાખની ચાંદીનાં દાગીનાં પાલીસ કરવા આપેલ હતા તથા જયેશભાઇ જેઠાભાઇ ભંડેરીએ ૨૮.૮૬૨ કિલોગ્રામ જેની કિંમત ૧૪ લાખ છે તથા કિશોરભાઇ ખીમજીભાઇ હાપલીયા ૪૦.૩૪૬ કિલોગ્રામ ચાંદીનાં તૈયાર દાગીનાં આપેલ હતા જેની કિંમત ૧૪.૯૬ લાખ થાય છે. આમ કુલ ચાંદીના દાગીના વઝન ૧૨૨.૪૦૮ કિલો ગ્રામ જે કુલ રૂપીયા ૫૬.૩૩ લાખનુ થતુ હોય જે દાગીનાં પરત ન આપી તથા ઓળવી જઇ ત્રણેય વેપારીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી ચાંદીના દાગીના ઓળવી ગયેલ છે. હાલ બી ડિવિઝન પોલીસે આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

