રાજકોટમાં નર્સ તરીકે સેવા આપતી યુવતી પર સુરતના પરિણીત તબીબે આચર્યું દુષ્કર્મ,પોલીસે કાર્યવાહી હાથ ધરી
રાજકોટમાં રહેતી અને નર્સ તરીકે સેવા આપતી એક યુવતી પર સુરતના પરિણીત તબીબે દોઢ મહિના પૂર્વે બે વખત દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનેલી યુવતી આ અંગે મહિલા ડીસીપી પાસે ફરિયાદ નોંધાવવા ગઇ તો તેને આંચકાજનક અને શરમજનક જવાબ મળ્યો હતો કે, પુરાવા આપો તો જ ફરિયાદ નોંધીશ અન્યથા માત્ર છેડતીનો ગુનો દાખલ કરવામાં આવશે. પિતાને સાથે લઇને ફરિયાદ કરવા ગયેલી યુવતીને વિશ્વાસ હતો કે તેની ફરિયાદ નોંધાશે અને દુષ્કર્મ આચરનાર સુરતના તબીબ સામે કાનૂની રાહે પગલાં લેવાશે પરંતુ આવું ન થયું. આ મામલે બે વખત આપઘાતનો પ્રયાસ પણ યુવતીએ કર્યો હતો. જોકે મિત્રએ આપેલી હિંમત બાદ પોલીસ મથક તો ગઇ જોકે ત્યાંથી પણ નિરાશા સાંપડી હતી ત્યારે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આ યુવતીને ન્યાય અપાવવા કાનૂની રાહ અપનાવવો આવશ્યક છે.
શહેરમાં રહેતી યુવતીએ પોલીસને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે, દોઢ મહિના પૂર્વે પોતે રાજકોટમાં ફરજ પર હતી ત્યારે સુરતમાં રહેતા બાળરોગ નિષ્ણાત ડોક્ટર રિતેશનો ફોન આવ્યો હતો કે, મારે તારું કામ છે, તું મને મળ, જોકે ના પાડવા છતાં પોતાના ફોટા અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી મળવા માટે મજબૂર કરી હતી, પોતે રિતેશની કારમાં બેસી ગયા બાદ તે ન્યારી ડેમ પાસેની અવાવરું જગ્યાએ લઇ ગયો હતો અને ધમકી આપીને કારમાં જ દુષ્કર્મ આચર્યું હતું, ત્યારબાદ ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ઉતારીને જતો રહ્યો હતો.
આ અંગે લેખિતમાં અરજી કરી ઉચ્ચ પોલીસ અધિકારીને રજૂઆત કરતા મહિલા ડીસીપી પૂજા યાદવને મળવા જણાવ્યું હતું. આથી પોતે ડીસીપી યાદવને મળીને પોતાની સાથે થયેલી હકીકત વર્ણવી હતી આ સમયે મહિલા પોલીસ મથકના પીઆઇ મોર પણ ત્યાં હાજર હતા. પોતાની વાત સાંભળ્યા બાદ પુરાવા હોય તો આપો અન્યથા માત્ર છેડતીની ફરિયાદ લેવાની વાત કરીને યુવતીને રવાના કરી દીધી હતી. પોલીસે ન્યાય નહીં અપાવતા મીડિયા સમક્ષ યુવતીને આવવાની ફરજ પડી હતી. ત્યારે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આ યુવતી સાથે જો દુષ્કર્મ થયું હોય અને તેણે કહેલી હકીકત સત્ય હોય તો ન્યાય અપાવવો જોઇએ.
નર્સ યુવતીએ પોલીસને આપેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, પાંચ વર્ષ પૂર્વે જસદણમાં આવેલી એક હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી ત્યારે ડો.રિતેશ પણ ત્યાં સેવા આપતા હતા. આથી બંને વચ્ચે મિત્રતાના સંબંધ બંધાયા હતા અને વોટ્સએપ પર કેમ છો, કેમ નહી સહિતની વાતચીત પણ થતી હતી. યુવતીએ એવો આક્ષેપ કર્યો હતો કે, એક દિવસ પોતે રાજકોટ હતી ત્યારે ડો.રિતેશનો ફોન આવ્યો હતો અને મળવા બોલાવી હતી અને પોતે જે હોટેલમાં રોકાયો હતો ત્યાં લઇ ગયો હતો.
તે દિવસે પોતાની તબિયત સારી ન હોય રાત ત્યાં જ રોકાઇ જવાનું કહેતા પોતે ત્યાં રોકાઇ હતી, ત્યારે ડો.રિતેશે લગ્ન કરવાના જ છે તેમ કહી મારી સાથે શરીરસંબંધ બાંધ્યા હતા અને તેના ફોટા તથા વીડિયો ઉતારી લીધા હતા. ત્યારબાદ ડો.રિતેશ ફોટા અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારતો હતો.
ડો.રિતેશના અત્યાચારથી વાજ આવી ગયેલી યુવતીએ ૨૩ નવેમ્બર ૨૦૨૨ના રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી આ સમયે પીએસઆઇ ભરવાડે ડો.રિતેશ અને યુવતીને પોલીસ મથકે બોલાવ્યા હતા અને ડો.રિતેશ સામે ગુનો નોંધાવવાનું કહ્યું હતું.
જોકે ચર્ચાના અંતે ડો.રિતેશે માફી માગી લઇ હવે પછીથી યુવતીને કોઇપણ બાબતે પરેશાન નહીં કરે તેવી બાંહેધરી આપી હતી આથી બંને પક્ષ વચ્ચે સમાધાન થઇ ગયું હતું. ડો.રિતેશ યુવતીને ફોન પણ કરતા નહોતા અને પરેશાન પણ કરતા નહોતા. જોકે થોડા મહિના બાદ ફરી તેઓએ શારીરિક સંબંધ બાંધવા માટે ધમકી આપવાનું શરૂ કરતાં ફરીથી ૮ જૂન ૨૦૨૩ના રોજ રાજકોટ પોલીસને દુષ્કર્મ કર્યા અંગેની અરજી કરી હતી.
ડો.રિતેશ પોતાને કેવી રીતે હેરાન પરેશાન કરી રહ્યા છે તે અંગેની ત્રણ જેટલી ઓડિયો ક્લિપ પણ યુવતીએ પોલીસને સંભળાવી હતી. જોકે યુવતીને કઇ કારમાં ન્યારી ડેમ પાસે લઇ જવાઇ, તેના નંબર શું હતા, તે સહિતના પુરાવા મહિલા ડીસીપીએ યુવતી પાસે માગ્યા હતા.