મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામના પાટીયા પાસે મોડી રાત્રીના બે વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ડબલ સવારીમાં જઈ રહેલા બાઈકને ડમ્પર ચાલકે હડફેટે લેતા બે યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજયા હતા.જેને પગલે બનાવ બાદ ભાગી છૂટેલા ડમ્પર ચાલકને પકડવા તાલુકા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
મોરબીના સામાકાંઠે માળીયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામના પાટીયા પાસે મોડીરાત્રીના વાહન અકસ્માતનો ગોજારો બનાવ સર્જાયો હતો જેમાં ડબલ સવારીમાં જઈ રહેલા બે યુવાનોને ડમ્પર નંબર જીજે ૧૨ બીટી ૭૭૯૪ ના ચાલકે હેડફેટ લીધા હતા જે બનાવમાં હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઈકમાં જઇ રહેલા સંજય દિનેશભાઈ સનુરા કોળી (ઉમર ૨૬) અને મુનેસ અમુભાઈ સુરેલા જાતે કોળી (ઉમર ૨૮) રહે.બંને સિલ્વર સોસાયટી ઘૂંટુ રોડ સામાકાંઠે મોરબી-૨ વાળાઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી બંને યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજયા હતા.
અકસ્માત બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.વધુમાં પોલીસ સુત્રોની પાસેથી મળતી વિગતો મુજબ બંને મૃતક યુવાનો પોતાના ઘરેથી કારખાનાના કામ અર્થે જતા હોય ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ડમ્પરચાલક સ્થળ ઉપરથી વાહન લઈને ભાગી છુટ્યો હોય હાલ મોરબી તાલુકા પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર વાહન ચાલકને પકડવા આગળની તજવીજ હાથ ધરવામાં આવી.
આ બનાવમાં મૃતક સંજય સુનરાના પિતા દિનેશભાઇ માનસંગભાઇ સનુરા (૫૫) રહે. જુના ઘુંટુ રોડ સિલ્વર પાર્ક સોસાયટીની ફરીયાદ લઇને પોલીસે આરોપી ડમ્પર ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.