નબળા વર્ગના અને ધાર્મિક તથા વંશીય લઘુમતીઓના અધિકારોનું સમર્થન નહી કરવામાં આવે તો ભારત કોઈક સમયે અલગ થઈ જશે: પુર્વ રાષ્ટ્રપતિ
વોશિંગ્ટન,તા.22
જો ધાર્મિક અને વંશીય લઘુમતીઓના અધિકારોનું સમર્થન કરવામાં નહીં આવે તો ભારત કોઈક સમયે અલગ થઈ જશે.’ ભૂતપૂર્વ યુ.એસ. રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ગુરુવારે જણાવ્યું હતું. ઓબામાએ ભારતીય સમાજમાં નબળા વર્ગોના અધિકારો અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે બિડેન પ્રશાસને આ મુદાઓ પર વડાપ્રધાન મોદી સાથે ‘પ્રામાણીકપણે’ ચર્ચા કરવી જોઈએ.
અમેરિકાના પુર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ અમેરિકી ન્યુઝ ચેનલ સાથે વાત કરતા વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેનને સલાહ આપી હતી કે તેઓ મુસ્લીમોની સુરક્ષા પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવી જોઈએ. અમેરિકાના પુર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે જો વર્તમાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળે તો ભારતમાં મુસ્લીમ લઘુમતીની સુરક્ષા અંગે ચર્ચા કરવી જોઈએ.
બરાક હુસૈન ઓબામાએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, અમેરિકા અને સમગ્ર વિશ્ર્વમાં લોકતાંત્રીક સંસ્થાઓ અસ્તવ્યસ્ત થઈ ગઈ છે, અને ભવિષ્યમાં તેમને બચાવવા માટેના માર્ગો શોધવાનું અમેરિકન નેતાઓ પર નિર્ભર છે. તેમણે વૈશ્વિક લોકશાહી અને રાજકીય મુદાઓ પર ભારત અને ચીન વિરુદ્ધ ઝેર ઓકયું હતું.
ઓબામાએ કહ્યું કે, સરમુખત્યારો અથવા અન્ય અલોકતાંત્રીક નેતાઓ સાથે મુલાકાત એ યુએસ પ્રમુખપદના મુશ્કેલ પાસાઓમાંથી એક છે. ઓવલ ઓફીસમાં મારા કાર્યકાળ દરમિયાન, મારે એવા ઘણા લોકો સાથે અવ્યવહાર કરવો પડયો જેની સાથે હું સહમત ન હતો.
ઓબામાનું નિવેદન પીએમ મોદીની અમેરિકાની સતાવાર મુલાકાત દરમિયાન આવ્યું છે. આવી સ્થિતિમાં આ નિવેદનના સમયને લઈને સવાલો ઉઠી રહ્યા છે. ઓબામાએ કહ્યું કે તેમણે પીએમ મોદી સાથે કલાઈમેટ ચેન્જ અને અન્ય ક્ષેત્રો પર કામ કર્યું છે.