શોર્ટકટ રીતે પૈસા કમાવાનો રસ્તો બરબાદી તરફ લઈ જતો હોય છે અથવા જેલના સળિયા સુધી લઈ જતો હોય છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે. પોલીસે એક મહિલા સહિત ૧૧ લોકોની ધરપકડ કરી છે. આ ગેંગ ફેસબુકમાં છોકરીનું નકલી આઈડી બનાવી યુવકોને હની ટ્રેપમાં ફસાવતી હતી.
સુરતના કામરેજ પોલીસ સ્ટેશનની ટીમે હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતી ગેંગને ઝડપી પાડી છે. પોલીસે એક મહિલા સહિત ૧૧ આરોપીઓની ધરપકડ કરીને કુલ ૫.૨૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આ આરોપીઓ ફેસબુક પર યુવતીના નામનું એકાઉન્ટ બનાવી યુવકો સાથે વાતચીત કરતા હતા. જે બાદ યુવકને મળવા માટે બોલાવતા હતા અને પોલીસની ખોટી ઓળખ આપીને રૂપિયા પડાવતા હતા. સાથે જ આ આરોપીઓ યુવકોને ઢોર માર મારીને રૂપિયા લૂંટી લેતા હતા.
આરોપીઓ મહિલાઓને પુરુષો સાથે રૂમમાં મોકલ્યા બાદ નાટક કરતા હતા. ફસાવવામાં આવનાર યુવકને ભાભી-નણંદ, ભાઈ-બહેન, પોલીસની ખોટી ઓળખ આપવામાં આવતી હતી. જે બાદ પોલીસ કેસની ધમકી આપીને રૂપિયા પડાવી લેવામાં આવતા હતા.
ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર આવા ઘણા એકાઉન્ટ્સ છે જેમાં મહિલાની તસવીર હોય અને વિગતો પણ હોય છતાં તેનો ઉપયોગ પુરુષો દ્વારા થતો હોય. આવા એકાઉન્ટમાંથી થતી ગેરકાયદે બાબતોને કારણે હાલના સમયે લોકોને ચેતી જવાની જરૂર છે. જોકે, હનીટ્રેપ સહિતની સાયબર ઘટનાઓમાં આમ તો ક્યારેય ફસાવવા જેવું લાગે તો તુરંત પોલીસની મદદ માગવાથી યોગ્ય નિરાકરણ મળ્યાના અઢળક કિસ્સા છે. આ ઉપરાંત દરેકે સોશિયલ મીડિયામાં અજાણ્યા લોકો સાથે વાતચીત કરવામાં ઘણું ધ્યાન રાખવું જોઈએ.