અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની શકે છે. હાલ ‘બિપરજોય’ વાવાઝોડું પોરબંદરથી 320 કિલોમીટર, જ્યારે દ્વારકાથી 360 કિલોમીટર દૂર છે. આ ઉપરાંત નલિયાથી 440 કિલોમીટર દૂર છે. વાવાઝોડું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે આજે કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
કચ્છમાં પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં અને કોલેજોમાં ત્રણ દિવસની રજા જાહેર કરાઈ છે તેમજ કોટેશ્વર-નારાયણ સરોવર મંદિર તારીખ 13થી 15 સુધી બંધ કરવામાં આવ્યું છે. હાલ વાવાઝોડાને લઇને કેન્દ્ર સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. PM મોદીએ સમીક્ષા બેઠક કરી. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવીએ આગામી 4 દિવસ સુધી દ્વારકા ન આવવા અપીલ કરી છે. પોરબંદરના કુછડી ગામે દરિયાનો પાળો તૂટ્યો હતો.
બીજી તરફ, દ્વારકા, જામનગર અને કચ્છનાં તમામ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે, જ્યારે પોરબંદરમાં નવ નંબરનું અતિભયસૂચક સિગ્નલ લગાવાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબંધિત મંત્રીઓને દરિયાકાંઠાના અલગ-અલગ જિલ્લાની જવાબદારી સોંપી છે.