
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં મેડિકલ ઓફિસર પૈકીના ૧૯ તબીબોએ તબીબી અધિક્ષક તેમજ આરોગ્ય કમિશનરને સંબોધીને એક આવેદનપત્ર લખ્યો હતો જેમાં જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં દિનપ્રતિદિન ઓપીડી અને ઇમર્જન્સી રૂમમાં દર્દીઓનો ધસારો વધતો જાય છે. દર્દીઓની યોગ્ય રીતે સારવાર થઇ શકે તે માટે ઇમર્જન્સી રૂમમાં એમએલસી અને નોન એમએલસી મેડિકલ ઓફિસર અલગ અલગ ફાળવવા જોઇએ, ઇમર્જન્સી રૂમમાં રોટેશન મુજબ તમામ મેડિકલ ઓફિસરને ડ્યૂટી ફાળવવી જોઇએ, તમામ ડ્યૂટી કરનારા ડોક્ટરોને જેલ અને પેરીફેરલ ડ્યૂટી માટે રોટેશનલ ડેપ્યુટેશન આપવું જોઇએ.
ઓપીડી અને ઇમર્જન્સી રૂમમાં ફરજ બજાવતાં તબીબોમાં ડ્યૂટી બાબતે પણ ગણગણાટ શરૂ થયો હતો. તબીબોએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે, તબીબી અધિક્ષકના નજીકના ગણાતા આઠ ડોક્ટરો પોતાની મૂળભૂત ફરજ બજાવતા નથી અને તેમને ઓફિસવર્ક આપવામાં આવ્યું છે, આરએમો તથા ફાર્મસી વિભાગની જવાબદારી માટે એક ડોક્ટરને બાદ કરતા અન્ય આઠ તબીબોને તેની મદદમાં મૂકવામાં આવતાં દર્દીઓની હાલત કફોડી બની છે. ૮ તબીબોને વહેલી તકે ડ્યૂટી કરતા કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને કતારમાં રહેવું ન પડે અને યોગ્ય સારવાર થઇ શકે

