
ગુજરાતમાં દારૂની ઘૂસણખોરી ન થઈ જાય તે માટે પોલીસ દ્વારા બૂટલેગરો ઉપર ધોંસ બોલાવવામાં આવી રહી છે ત્યારે ઘણી વખત રેડ પાડવા ગયેલી પોલીસ ટીમ ઉપર હુમલાઓ થયાની ઘટનાઓ બની રહી હોય છે તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. દાહોદ પોલીસ આવી જ એક રેડ પાડવા ગઈ ત્યારે તેના ઉપર બૂટલેગરો રીતસરના તૂટી પડતા સ્વબચાવમાં પોલીસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું.આ વેળાએ એકઠા થઈ ગયેલા બૂટલેગરો અને તેના માણસોએ પોલીસની જીપ સળગાવી નાખી હોવાનું પણ ધ્યાને આવ્યું છે. ગત મોડીરાત્રે દાહોદની સાગયાળા પોલીસ કાળીયાકૂવા ગામ નજીક પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના બૂટલેગરો બાઈક પર ગુજરાતમાં દારૂ લઈને આવી રહ્યા છે. આ દરમિયાન કાળીયાકૂવા રોડ ઉપર બાતમીના આધારે બાઈકને રોકતા બૂટલેગરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.આ દરમિયાન બૂટલેગરોની સાથે અન્ય ૧૫ જેટલા અજાણ્યા હુમલાખોરો ભેગા થઈ ગયા હતા અને તેણે પોલીસ પર હુમલો કર્યો હતો. આ સાથે જ પોલીસની ગાડીને નુકસાન પણ પહોંચાડ્યું હતું જેથી સ્વ બચાવમાં પોલીસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હોવાનું સામે આવ્યું છે. આ ગુનામાં પોલીસે બૂટલેગર કુતરીયા રામજીભાઈ નાયક, દિલીપ નાયક અને રાજુ તોમર (રહે.મધ્યપ્રદેશ) સહિત અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમને પકડવા દોડધામ શરૂ કરી છે.

