► 53.68 લાખનો 1022 પેટી દારૂ, છ વાહનો સહિત 1.07 કરોડનો મુદ્દામાલ કબજે: અલ્તાફ, બાઘો સહિત 13 ફરાર► પંજાબથી દારૂ ભરેલો ટ્રક મંગાવ્યો હોવાનું ખુલ્યું: દરોડા વખતે જંગલેશ્વરનો મહેબૂબ મીર, ઈલિયાસ કૈડા, ભેંસાણનો અલ્તાફ ઠેબા અને થોરાળાનો શોયેબ ઓડિયા પકડાયા: ટમેટાના કેરેટ હેઠળ છુપાવીને દારૂ લવાયો’તો: અવધ એસ્ટેટના ગોડાઉનમાં કટિંગ ચાલી રહ્યું હતું ત્યારે જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકતાં ભાગદોડ
રાજકોટ શહેર-જિલ્લામાં સ્થાનિક પોલીસની ‘કૃપાદૃષ્ટિ’ બૂટલેગરો ઉપર વરસી રહી હોય તેવી રીતે ફરી મોટાપાયે દારૂની હેરાફેરી શરૂ થઈ ગયાનું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે. જો કે બૂટલેગરો દ્વારા પ્યાસીઓ સુધી દારૂની બોટલો પહોંચાડી દેવાના બદઈરાદા ઉપર ‘બાજનજર’ રાખીને બેઠેલા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પાણી ફેરવવામાં આવી રહ્યું છે. આવો જ એક મોટો દરોડો ગત મધરાત્રે ગોંડલના બિલિયાળા ગામે પાડીને સ્ટેટ મોનિટરિંગ સેલે 53 લાખની કિંમતનો 1022 પેટી વિદેશી દારૂના જથ્થા સાથે ચાર લોકોની ધરપકડ કરી છે.જ્યારે દરોડો પડ્યો ત્યારે જ કટિંગ ચાલી રહ્યું હોવાનું ખુલ્યું છે. બીજી બાજુ દારૂનો આટલો મોટો જથ્થો રાજકોટના કુખ્યાત બૂટલેગર અલ્તાફ ઉર્ફે છ આંગળી, થોરાળાનો તૌસીફ અને જંગલેશ્વરના રિયાઝ ઉર્ફે પિન્ટુએ મંગાવ્યો હોવાનું ખુલતાં તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ડીજીપી વિકાસ સહાય, સ્ટેટ મોનિટરિંગ સેલના એડિશનલ ડીજી નીરજા ગોટરુ અને એસપી નિર્લિપ્ત રાયના સુપરવિઝન તેમજ ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સી.એન.પરમારે ગોંડલના બિલિયાળા ગામે આવેલાઅવધ એસ્ટેટના ગોડાઉનમાં મોટાપાયે વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યાની બાતમી મળતા મધરાત્રે દરોડો પાડીને વિદેશી દારૂની 1022 પેટી દારૂ સાથે મહેબુબ રફીકભાઈ મીર (રહે.જંગલેશ્વર-રાજકોટ), ઈલિયાસ હુસેનભાઈ કૈડા (રહે.જંગલેશ્વર-રાજકોટ), અલ્તાફ દાઉદભાઈ ઠેબા (રહે.ભેંસાણ-જૂનાગઢ) અને શોયેબ રજાકભાઈ ઓડિયા (રહે.નવા થોરાળા) પકડાઈ ગયા હતા જ્યારે દારૂ મંગાવનાર કુખ્યાત બૂટલેગર અલ્તાફ ઉર્ફે છ આંગળી હનીફભાઈ થઈમ, તૌસીફ ઉર્ફે બાઘો અસીમભાઈ ઉમરેઠીયા સહિતના 13 લોકો ફરાર થઈ જતાં તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થળ પરથી 53,68,140 રૂપિયાની કિંમતની 12084 દારૂની બોટલ (1022 પેટી), 19830ની રોકડ, સાત મોબાઈલ ટ્રક, આઈશર, બોલેરો પીકઅપ, ટાટા-407, ટમેટા ભરવાના પ્લાસ્ટિકના કેરેટ સહિત કુલ રૂા.1,07,41,370 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.વધુમાં જાણવા મળ્યા પ્રમાણે મોટા ટ્રકમાં ટમેટાના કેરેટ નીચે છુપાવીને પંજાબથી આ દારૂ ગોંડલ લાવવામાં આવ્યો હતો અને અહીંથી રાજકોટ શહેર-જિલ્લો તેમજ જૂનાગઢમાં તેની સપ્લાય કરવાની હતી. જો કે તે પહેલાં જ મોટી સંખ્યામાં દારૂ પકડાઈ જતાં સ્થાનિક પોલીસ ઉપર તવાઈ આવવી નિશ્ચીત મનાય રહી છે.દારૂની સપ્લાય રાજકોટ શહેર-જિલ્લાની સાથે જૂનાગઢમાં કરવાની હતીજાણવા મળ્યા પ્રમાણે અલ્તાફ ઉર્ફે છ આંગણી, થોરાળાના તૌસીફ અને જંગલેશ્વરના રિયાઝ ઉર્ફે પિન્ટુએ દારૂની 1022 પેટી ભરેલો ટ્રક પંજાબથી મંગાવ્યો હતો ત્યારે તેનું કટિંગ રાજકોટ શહેર, જૂનાગઢ અને રાજકોટ ગ્રામ્યમાં કરવાનું હોવાનું ખુલ્યું છે. દારૂની આ સપ્લાય બોલેરો પીકઅપ વાન, આઈશર સહિતના નાના વાહનો મારફતે કરવાની હતી. એકંદરે કટિંગ થાય તે પહેલાં જ સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી દેતા એક પણ પેટી બિલિયાળાથી બહાર નીકળી નહીં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.ત્રણ દિવસ પહેલાં જ દારૂનો મોટો જથ્થો ઉતરી ગયો’ને સપ્લાય પણ થઈ ગયો છતાં સ્થાનિક પોલીસ નિદ્રામાં રહેતાં તોળાઈ રહેલા પગલાંસ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બિલિયાળા ગામેથી દારૂની 1022 પેટી પકડી પાડવામાં આવી છે ત્યારે મહત્ત્વની વાત એ પણ ગણાશે કે ત્રણ જ દિવસ પહેલાં દારૂનો એક આખેઆખો ટ્રક અહીં ઉતરી ગયો અને તેનું કટિંગ પણ થઈ ગયું ત્યાં સુધી સ્થાનિક પોલીસ નિદ્રામાં રહી ગઈ છે ત્યારે ત્રણ જ દિવસની અંદર બીજો ટ્રક ઉતરી ગયો છતાં તેનું ધ્યાન નહીં જતાં હવે તેની સામે આકરાં પગલાં તોળાઈ રહ્યાનું જાણવા મળી રહ્યું છે.દારૂ-જુગાર માટે રાજકોટ જિલ્લો સ્વર્ગ સમાન !સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા કે મીઠી નજર હેઠળ જાણે કે રાજકોટ જિલ્લામાં દારૂ તેમજ જુગારની પ્રવૃત્તિઓ ફૂલીફાલી હોય તેવી રીતે છાશવારે અહીંથી ગોરખધંધા પકડાઈ રહ્યા છે. તાજેતરમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલે પડધરીમાં દરોડો પાડીને ભેળસેળયુક્ત ડીઝલ પકડી પાડ્યું હતું ત્યારે અનેક વખત રાજકોટ રૂરલમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પકડાઈ ચૂકી છે તો મોટી સંખ્યામાં વિદેશી દારૂ પણ અહીંથી પકડાઈ રહ્યો હોવાને કારણે બેનંબરી ધંધાર્થીઓ માટે રાજકોટ જિલ્લો સ્વર્ગ સમાન બની ગયો હોય તેવું ચિત્ર ઉપસ્યા વગર રહેતું નથી.રથયાત્રાના દિવસે 1000 પેટીનું કટિંગ કરી નાખ્યાની કબૂલાતસ્ટેટ મોનિટરિંગ સેલે ગોંડલના બિલિયાળા ગામે દરોડો પાડીને દારૂની 1022 પેટી સાથે ચાર બૂટલેગરોની ધરપકડ કરી છે ત્યારે તેમની પ્રારંભીક પૂછપરછમાં એવો મોટો ખુલાસો થયો છે કે તાજેતરમાં જ અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી જેમાં મહત્તમ પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત હોવાનો ફાયદો ઉઠાવી અલ્તાફ ઉર્ફે છ આંગળી સહિતના બૂટલેગરોએ અહીં જ એક હજારથી વધુની દારૂની પેટીનું કટિંગ કરીને રાજકોટ તેમજ જૂનાગઢમાં સપ્લાય કરી દીધું હતું. આ કટિંગ થયાને ત્રણ જ દિવસ પૂર્ણ થયા છે ત્યાં આ લોકોએ બીજો ટ્રક મંગાવ્યો હતો. જો કે તે દારૂની સપ્લાય થાય તે પહેલાં જ સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.