આવતીકાલથી શરુ થનારી રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાની મોનેટરી પોલીસી કમીટીની બેઠકમાં વ્યાજદર વધારા અંગે નિર્ણય લેવાશે અને નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે જે રીતે ફુગાવાની સ્થિતિ નીચી આવી છે તે જોતા રિઝર્વ બેંક વધુ એક વખત વ્યાજદર વધારા-ઘટાડાનો નિર્ણય સ્થગીત રાખે તેવી શકયતા છે.
એક તરફ સીસ્ટમમાં લીકવીડીટી વધી રહી છે. ખાસ કરીને રૂા.2000ની ચલણી નોટો બેંકોમાં જમા થવા લાગતા બેંકો પાસે પણ રોકડ વધી છે તો બીજી તરફ બેંકોમાં એકસચેંજ થતી રૂા.2000ની ચલણી નોટોની સામે નાની નોટો આવતા તે બજારમાં આવી રહી છે અને હાલ રિઝર્વ બેંક વધુ બે માસ સુધી પરીસ્થિતિની સમીક્ષામાં વ્યાજદર યથાવત રાખે તેવી ધારણા છે. છ સભ્યોની કમીટીનો નિર્ણય તા.8ના રોજ આરબીઆઈના ગવર્નર શક્તિકાંતા દાસ જાહેર કરશે.
એપ્રિલ માસમાં જ આરબીઆઈએ વ્યાજદર યથાવત રાખ્યા હતા. બેંકો પાસે જે રીતે થાપણો વધી રહી છે તે જોતા આરબીઆઈના કોઈ વ્યાજદર ફેરફાર વગર પણ અનેક બેંકો થાપણના દર ઘટાડી રહી છે અને રિઝર્વ બેંક જો વ્યાજદર વધારે તો પણ અને ઘટાડે તો પણ બેંકો માટે નવી મુશ્કેલી ઉભી થઈ શકે છે.