રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી તા.16 મેના રોજ કરવામાં આવે છે. આ દિવસ મચ્છરજન્ય રોગ અને તાવ વિશે જાગૃતિ ફેલાવવા માટે મનાવવામાં આવે છે. ડેન્ગ્યુ એ એડીસ ઈજિપ્તી મચ્છર કરડવાથી થાય છે. આ મચ્છર ઘરમાં કે આસપાસ પાણીનો ભરાવો થવાથી ઉત્પન્ન થાય છે. સ્વચ્છ પાણી ભરીને રાખેલા વાસણોમાં આ મચ્છર જન્મ લેતા હોય છે. રાજકોટ શહેરમાં ગત વર્ષે ડેન્ગ્યુના 267 કેસ નોંધાયા હતા જ્યારે ચાલુ વર્ષે 18 કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લામાં ગત વર્ષે 145 કેસ નોંધાયા હતા અને ડેન્ગ્યુને કારણે 2 વ્યક્તિના મૃત્યુ થયા હતા. જ્યારે ચાલુ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં 15 કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ડેન્ગ્યુ નિયંત્રણ અંતર્ગત સોર્સ રિડક્શન કામગીરી હેઠળ 1973 ઘરનો સરવે કરવામાં આવ્યો હતો અને 234 ઘરમાંથી નકામા કાટમાળ તેમજ ભંગારનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તા.12મીએ 67 હોસ્પિટલ અને 37 સરકારી કચેરીમાં મચ્છર ઉત્પત્તિ અંગે સરવે કરી પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. ડેન્ગ્યુનો તાવ હળવો અથવા ગંભીર બંને પ્રકારનો હોય શકે છે. આવી સ્થિતિમાં ડેન્ગ્યુના તાવમાં દર્દીને સખત તાવ આવવો, હાથ અને ચહેરા પર ચકામા પાડવા, સાંધા અને માંસ-પેશીઓમાં દુખાવો થવો, થાક લાગવો, ઊલટી થવી વગેરે ડેન્ગ્યુના લક્ષણો છે.
જ્યારે ગંભીર કિસ્સાઓમાં હેમોરહેજિક તાવ થવાનું જોખમ રહે છે. આ સ્થિતિમાં લોહીમાં પ્લેટલેટની ગણતરી ઓછી થવા લાગે છે. શરીરને હાઈડ્રેટેડ રાખવું એ ડેન્ગ્યુને અંકુશમાં રાખવાની મહત્ત્વની રીત છે. આવા સંજોગોમાં દર્દીએ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. પેટમાં તીવ્ર દુખાવો, સતત ઊલટી થવી, ત્વચા હેઠળ રક્તસ્ત્રાવ થવો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. ડેન્ગ્યુના તાવમાં સારવાર માટે લોહીના નમૂના લઇ તેની ચકાસણી કરવામાં આવે છે.