રાજકોટ શહેરનાં હેમુગઢવી ઓડિટોરિયમ ખાતે આજે એક રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યના રેલમંત્રી દર્શનાબેન જરદોસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, જુના રેલવે મંત્રીઓ માત્ર વાયદાઓ કરતા હતા, અમે પરિણામો તરફી કામ કરીએ છીએ, ટૂંક સમયમાં સૌરાષ્ટ્રનાં સોમનાથ-દ્વારકા સહિતનાં સ્ટેશનોનું આધુનિકરણ થશે.
આધુનિકરણનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.
દર્શનાબેન જરદોસનાં જણાવ્યા મુજબ આઝાદી બાદ આટલા વર્ષોમાં જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થવું જોઈએ જેમ કે, કેબલિંગ-ડબલિંગ-પ્લેટફોર્મ સહિતનો વિકાસ થવો જોઈએ તે અગાઉના રેલમંત્રીઓએ માત્ર વાયદા કર્યા છે. જ્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની ડબલ એન્જીન સરકાર રેલવેના વિકાસ માટે કામ કરી રહી છે. કેબલિંગ-ડબલિંગ અને પ્લેટફોર્મસનું આધુનિકરણ તેમજ મુખ્ય શહેરોનાં સ્ટેશનોનો સીટી સેંટર તરીકે વિકાસ કરવાની કામગીરી જોરશોરથી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં રેલવેનાં વિકાસ અંગે બંને સાંસદો અને ધારાસભ્યો રજૂઆતો કરી ચુક્યા છે. હાલ IRCTCનાં માધ્યમથી રામાયણ સરકીટ તેમજ બૌદ્ધ સરકીટ જેવી સરકીટો ચલાવવામાં આવી રહી છે. આગામી સમયમાં ઇન્ડોરથી અયોધ્યા સુધીની સરકીટ ચાલવાની છે. દ્વારકા-સોમનાથ અને કેવડિયા સુધીનું જોડાણ થયું તેવી જ રીતે સોમનાથ અને દ્વારકા સહિત રાજ્યનાં ચાર સ્ટેશનોનું આધુનિકરણ કરવાનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે.