મોરબીના કંડલા બાયપાસ ધર્મસૃષ્ટિ સોસાયટી સહિત ૧૦ સોસાયટીના વરસાદી પાણી નિકાલ બાબતે સ્થાનિક લોકોએ કોન્ટ્રાક્ટર સામે બાંય ચડાવ્યા બાદ મામલો થાળે પડ્યો
મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે આવેલ ધર્મસૃષ્ટિ સોસાયટી સહિતની ૧૦ જેટલી સોસાયટીઓમાંથી વરસાદી પાણીનો નિકાલ કરવા માટે થઈને પાઇપલાઇનનું કામ મંજૂર કરવામાં આવ્યું છે અને આ કામગીરી હાલમાં કોન્ટ્રાક્ટરને આપવામાં આવી છે જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા પાઇપલાઇન પાથરવાનું કામ ચાલી રહ્યું છે દરમિયાન કોન્ટ્રાક્ટરે સીધી પાઇપલાઇન નાંખવાના બદલે વચ્ચે આવતા દુર્લભ પાર્ટી પ્લોટ પાસે પાઇપલાઇનનું કામ યોગ્ય રીતે ન કરવામાં આવતું હોવાનું સ્થાનિક લોકોના ધ્યાન ઉપર આવ્યું હતું જેથી કરીને મોરબી નગરપાલિકાના માજી ચેરમેન દેવાભાઈ અવાડિયા સહિતના સ્થાનિક રહેવાસીઓ દ્વારા આ કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને કોન્ટ્રાક્ટર દ્વારા જે કામ કરવામાં આવતું હતું તે કામ બંધ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ તાત્કાલિક કોન્ટ્રાક્ટર દ્વારા જે સીધી લાઈનમાં પાઇપલાઇન મંજુર કરવામાં આવી હતી તે દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં મામલો થાળ પડ્યો છે જોકે કોન્ટ્રાક્ટર દ્વારા જો વરસીદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તે રીતે પાઇપલાઇનની કામગીરી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી પણ સ્થાનિક લોકો દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીએ છે કે મોરબી શહેરના મોટાભાગના વિસ્તારોની અંદર આડેધડ રોડ રસ્તાના કામ તથા વરસાદી પાણીના નિકાલ માટેના કામ છેલ્લા વર્ષોમાં કરવામાં આવ્યા છે જેનો મોરબીવાસીઓને ઓછો અને કોન્ટ્રાક્ટરોને વધુ ફાયદો થયો છે જેથી કરીને ચોમાસા દરમિયાન કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાઈ જતા હોય છે ત્યારે જો આ કામગીરી યોગ્ય રીતે નહીં કરવામાં આવે તો બાયપાસ રોડ ઉપર આવેલ ધર્મસૃષ્ટિ સોસાયટી સહિતની ૧૦ જેટલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાય અને સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતા હતી જેથી કરીને સ્થાનિક લોકોએ આ કામનો વિરોધ કર્યો હતો અને કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવાની ખાતરી આપવામાં આવી હોવાથી હાલમાં મામલો થાળે પડ્યો છે.