સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાજકોટ અમદાવાદ હાઇવે પર બગોદરા અને બાવળા પાસે દરોડો પાડી 62.31 લાખની કિંમતનો 19178 બોટલ દારૂ પકડી પાડવામાં આવ્યો છે. જેમાં બગોદરા પાસેથી ઝડપાયેલો દારૂ હરિયાણાથી ભરાઈને રાજકોટ આવી રહ્યો હતો જ્યારે બાવળા પાસેથી પકડાયેલો દારૂ થાન પહોંચાડવાનો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
11988 બોટલ દારૂ મળી આવ્યો
સ્ટેટ મોનિટરિંગ સેલના PSI ડી.જે.બારોટે બાતમીના આધારે અમદાવાદથી રાજકોટ જતાં હાઈ-વે ઉપર સાવંતી જૈન મંદિર સામે રામનગર વિસ્તારમાંથી પસાર થઈ રહેલા ટ્રેલર નં. આરજે.14.જીઈ.7077ને અટકાવી તેની તલાશી લેતાં તેમાંથી સોડા જેવા પાઉડર ભરેલી 320 ગુણીઓ મળી આવી હતી. આ પછી ગુણીઓ હટાવીને ટ્રક ચેક કરવામાં આવતાં તેમાંથી 35,05,500 રૂપિયાની કિંમતનો 11988 બોટલ દારૂ મળી આવ્યો હતો જે જોઈને દરોડો પાડનાર પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જો કે દરોડો પડતાં જ ટ્રેલરનો ચાલક વાહન રેઢું મુકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ટ્રેલર નંબરના આધારે ચાલકની શોધખોળ શરૂ કરી છે સાથે સાથે એવો ખુલાસો પણ થયો છે કે દારૂનો આ જથ્થો સુરેન્દ્રનગરના થાન લાવવામાં આવી રહ્યો હતો. અહીંથી પોલીસે દારૂ, ટ્રેલર સહિત રૂ. 55,42,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.
7190 બોટલ દારૂ મળી આવ્યો
જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના PSI ડી.જે.બારોટે અમદાવાદથી રાજકોટ જતાં હાઈ-વે ઉપર બગોદરા પાસે હોટેલ વે-વેઈટની સામેના રોડ પરથી પસાર થઈ રહેલા ટ્રક નં. આરજે.19.જીજ.9615ને અટકાવીને તલાશી લેતા તેમાં કેપ્સીકમ મરચાની 266 ગુણી હેઠળ 27,26,100 રૂપિયાની કિંમતનો 7190 બોટલ દારૂ મળી આવ્યો હતો. આ પછી ટ્રકના ચાલક ભીખારામ સરદારરામ દેવાશીની ધરપકડ કરી લેવામાં આવી હતી.
1.03 કરોડના મુદ્દામાલ સાથે એકની ધરપકડ
દારૂનો આ જથ્થો રાજકોટ પહોંચાડવાનો હોવાની કબૂલાત આપતાં સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ મોકલનાર રાજસ્થાનના સપ્લાયર તેમજ મંગાવનાર રાજકોટના બૂટલેગરની શોધખોળ શરૂ કરી છે. અહીંથી પોલીસે ટ્રક, દારૂ સહિત કુલ રૂ. 47,84,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આમ બે સ્થળે દરોડા પાડીને સ્ટેટ મોનિટરિંગ સેલે વિદેશી દારૂ-બિયરની 19178 બોટલ-ટીન સહિત કુલ રૂ. 1.03 કરોડના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.