તંત્ર નિષ્ક્રિય, ભૂમાફિયા સક્રિય; ગામની નદી બૂરી દેવાતા ચોમાસામાં પાણી ગામમાં ભરાઈ જવાની દહેશત
રાજકોટ શહેરની નજીકના ગામોમાં ગૌચર અને સરકારી ખરાબા હડપી લેવાના કૌભાંડ મોટાપાયે ચાલી રહ્યા છે કારણ કે, આવા કિસ્સાઓમાં તંત્ર જ આળસુ રહે છે. તંત્રના ધ્યાને આવવા છતાં નિષ્ક્રિય રહીને ભૂમાફિયાઓને પ્રોત્સાહન પૂરું પાડે છે. આવું જ કાંગશિયાળી ગામમાં થયું છે જ્યાં જમીન માલિકોએ ગૌચરમાં ગેરકાયદે રસ્તો તો બનાવ્યો પણ સાથે જ નદીને પણ બૂરી દીધી છે. કરોડોની જમીન હડપ કરી જવા મામલે પંચાયતે નોટિસ આપી છતાં હજુ કામ અટક્યું નથી. કાંગશિયાળી ગામ પાસે સરવે નં. 394ની જમીન છગન રૂપાપરા અને જયંતી રૂપાપરા તેમજ સરવે નં. 396ની જમીન દેવરાજ રૂપાપરા અને કિશોર રૂપાપરાના નામે છે.
આ બંને જમીન સુધી જવા માટે જમીન માલિકોએ રસ્તો બનાવ્યો છે જે સરવે નં. 402ના ગૌચરમાંથી કાઢ્યો છે અને કોઇપણ પ્રકારની મંજૂરી લીધી નથી. ગૌચર દબાવી દેવાયા ઉપરાંત રોડ કાંઠે કાંગશિયાળી ગામમાંથી નીકળતી નદીને પણ બૂરી દીધી છે અને તેમાં ભળતા બે વોંકળા બૂરી દેવાયા છે. આ રીતે આશરે 5000 ચોરસ મીટર જેટલી જમીન પર કબજો કરી દેવાયો છે.
આ જમીન પર કબજો કરીને કામ ચાલુ કરાતા ગ્રામપંચાયતના નજરે આવ્યું હતું જેથી પંચાયતે બંનેને નોટિસ ફટકારી હતી પણ નોટિસનો જવાબ આપ્યો ન હતો. જેથી ફરી નોટિસ બજાવવામાં આવી છે પણ હજુ કામ અટક્યું નથી. આ કારણે કિંમતી ગૌચર તો હજમ થઈ ગયું છે પણ નદી અને વોંકળા બૂરી દેવાતા વરસાદના સમયે ગામમાં પાણી ભરાઈ જવા ઉપરાંત જે ખેતરો ચેકડેમના પાણી પર નિર્ભર છે ત્યાં પાણીનો જથ્થો પણ ઓછો પહોંચે તેવી શક્યતા છે.