નવી દિલ્હી : યુક્રેનની કટોકટી વધુ ઘેરી બની રહી છે. આવી સ્થિતિમાં ત્યાં ફસાયેલા ભારતીયોની ચિંતા પણ વધી રહી છે. આ સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફરીથી ઉચ્ચ સ્તરીય ઈમરજન્સી બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે ચાર કેન્દ્રીય મંત્રીઓને યુક્રેનના સરહદી દેશોમાં મોકલવામાં આવી શકે છે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજુ અને જનરલ વીકે સિંહને યુક્રેનના પડોશી દેશોમાં મોકલી શકાય છે. આ મંત્રીઓ ઇવેક્યુએશન મિશન માટે અન્ય દેશો સાથે સંકલન કરશે અને ત્યાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની મદદ માટે કામ કરશે.
ઉલ્લેખનીય છે કે ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવી હતી. આ મિશન હેઠળ, યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને લઈને અત્યાર સુધીમાં પાંચ ફ્લાઈટ્સ દિલ્હી પરત આવી છે. આજે સવારે જ એક ફ્લાઈટ 249 વિદ્યાર્થીઓને લઈને દિલ્હી પહોંચી હતી. અત્યાર સુધીમાં લગભગ 1100 વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના નિવેદન અનુસાર, વિદ્યાર્થીઓ અને અન્યો સહિત 20 હજારથી વધુ ભારતીયો યુક્રેનમાં રહે છે. ભારતે કહ્યું હતું કે, તમામ ભારતીય નાગરિકોનું સલામત સ્થળાંતર એ અમારો પ્રયાસ છે. હજુ પણ લગભગ 18 હજાર ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે. આ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ભારતીય દૂતાવાસ દ્વારા સતત એડવાઈઝરી જારી કરવામાં આવી રહી છે. શનિવારે એક એડવાઈઝરી જારી કરવામાં આવી હતી જેમાં તમામ વિદ્યાર્થીઓને યુક્રેનના પશ્ચિમી પ્રદેશોમાં જવા માટે કહેવામાં આવ્યું હતું.