શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રવિવારે વહેલી સવારે મર્સિડીઝ કારે બાઇકને ઉલાળતાં બાઇકચાલક યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, આ ઘટનામાં પોલીસે કારમાલિક અને કાર લઇ જનાર તેના ભત્રીજાની પૂછપરછ કરતાં બંનેએ દોષનો ટોપલો ડ્રાઇવર પર નાખ્યો હતો, અને ડ્રાઇવર ભૂગર્ભમાં ઉતરી ગયો હોય પોલીસે ઘટના સમયના તમામના મોબાઇલ લોકેશન પર તપાસ કેન્દ્રિત કરી હતી. માધાપર ચોકડી પાસે રહેતા મયુર તુલસીભાઈ તન્ના નામનો યુવાનનો કાર ચાલકે ભોગ લીધો હતો.
કાર નંબરના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.જી. જાડેજા સહિતની ટીમે તપાસ કરતાં કાર મનહર પ્લોટમાં રહેતા બિલ્ડર પરેશ નાથા ડોડિયાની હોવાનું ખૂલતાં પોલીસે પરેશને બોલાવ્યો હતો, પરેશે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, તેના ભત્રીજાને મિત્રો સાથે ઉપલેટા લગ્નમાં જવું હોય શનિવારે રાત્રે ભત્રીજો મર્સિડીઝ કાર લઇ ગયો હતો. પોલીસે પરેશ ડોડિયાના ભત્રીજાની પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે, સવારે પોતે તથા પરેશની કારનો ડ્રાઇવર ભોલો કારમાં નીકળ્યા હતા અને શિવસંગમ સોસાયટીએ પહોંચ્યા હતા, જ્યાં અન્ય મિત્રો આવવાના હતા, પોતે મિત્રોની રાહ જોઇ રહ્યો હતો ત્યારે ભોલો થોડીવારમાં આવું છું તેમ કહી કાર લઇને ત્યાંથી નીકળી ગયો હતો અને થોડીવારમાં ફોન આવ્યો હતો કે, કારનો અકસ્માત થયો છે અને હું કાર મુકીને ભાગી ગયો છું. આમ યુવાનનો ભોગ કોણે લીધો તે સહિતના મુદ્ે કાર માલિક સહિતના શખ્સો પોલીસને ચકરાવે ચડાવી રહ્યા છે.