5250 લીટર આથો કબજે: ગોંડલના કમઢિયા ગામે એક મહિના સુધી દારૂની ભઠ્ઠી ચલાવનાર ધીરુ મેરે હડમતાળામાં દેશીનો અડ્ડો શરૂ કર્યો હોવાનું ખુલ્યું: 3.50 લાખના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ, મહિલા સહિત ચાર ફરાર: સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી સ્થાનિક પોલીસની ઉંઘ ઉડાડી !
રાજકોટ સહિત આખા ગુજરાતમાં દેશી-વિદેશી દારૂની હેરાફેરી ઉપરાંત જુગારની પ્રવૃત્તિને અટકાવવા માટે ધડાધડ દરોડા પાડી રહેલા સ્ટેટ મોનિટરિંગ સેલે આજે કોટડા સાંગાણીના હડમતાળા ગામની સીમમાં એક મહિનાની ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડતાં બૂટલેગરો તેમજ પ્યાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડાના સ્થળ પરથી 5250 લીટર આથો સહિત 3.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ફરાર થઈ ગયેલા બૂટલેગરોની શોધખોળ શરૂ કરી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ રવીરાજસિંહ જાડેજાએ બાતમીના આધારે કોટડા સાંગાણીના હડમતાળા ગામની સીમમાં દાલીપીરની દરગાહ પાછળ આવેલી જગ્યામાં દરોડો પાડી 10500ની કિંમતનો દેશી દારૂ બનાવવાનો 5250 લીટર આથો ઉપરાંત દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો કબજે કર્યા હતા. દરોડા વખતે પોલીસને જયેશ ધીરુભાઈ મેર (રહે.લોઠડા), વલ્લભ દામજીભાઈ જાંબુકિયા (રહે.કોટડાસાંગાણી), અનિલ સુનિલભાઈ સોલંકી (રહે.નવાગામ આણંદપર) અને રાહુલ દેવજીભાઈ ચૌહાણ (રહે.કોટડાસાંગાણી) મળી આવતાં તેમની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવતાં દેશી દારૂની આ ભઠ્ઠી ધીરૂ વલ્લભભાઈ મેર, સુરેશ બાલા સોલંકી, લતા અને તેનો પિતરાઈ ચલાવતાં હોવાની કબૂલાત આપી હતી.
પોલીસ તપાસમાં એવું પણ ખુલ્યું છે કે અગાઉ કમઢિયા ગામની સીમમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડ્યો હતો તે પણ ધીરૂ મેરની જ હતી. ધીરુ અને સુરેશ સોલંકી અને લતા ત્રણેય ભાગીદારીમાં ઘણા લાંબા સમયથી દેશી દારૂનો ધંધો કરી રહ્યા છે. આ માટે તેઓ અલગ-અલગ જગ્યાએ દારૂ બનાવી વેચી રહ્યા હોવાનું ખુલ્યું હતું.
જો કે કમઢિયા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડતાં ત્યાં ભઠ્ઠી બંધ કરીને હડમતાળાની સીમમાં આવી ગયા હતા અને અહીં છેલ્લા એક મહિનાથી દારૂનું વેચાણ કરી રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી દેશી દારૂ બનાવવાનો આથો સહિત કુલ રૂા.3.50 લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર થઈ ગયેલા લિસ્ટેડ બૂટલેગરોની શોધખોળ શરૂ કરી છે. બીજી બાજુ એક મહિનાથી પોતાના વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી હોવા છતાં અજાણ રહી ગયેલી કોટડા સાંગાણી પોલીસ સામે પણ આકરી કાર્યવાહીના નિર્દેશ મળી રહ્યા છે.