રાજકોટની ઐતિહાસિક કરણસિંહજી હાઈસ્કૂલમાં સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલના સંતોએ મંદિરનું બાંધકામ કર્યું છે. આ બાંધકામ હાલ અટકાવાયું છે અને તેને લઈને તપાસના આદેશ અપાયા હતા જે કમિટીએ પોતાની તપાસ પૂરી કરી છે અને બુધવાર સુધીમાં કલેક્ટરને પોતાનો અભિપ્રાય પણ સુપ્રત કરી દેશે. પ્રાંત અધિકારી શહેર-1 તેમજ ડીઆઈએલઆરના અધિકારીઓની બનેલી તપાસ કમિટીએ ટ્રસ્ટ અને સામે પક્ષે ફરિયાદ કરનારા બંને પાસેથી વિવિધ ડોક્યુમેન્ટ મેળવ્યા હતા અને જવાબ અને પ્રતિજવાબોની પ્રક્રિયા કરી હતી.
બાદમાં બંનેના મેળવીને રિપોર્ટ સોંપાય તે પહેલાં જ તેનો ટૂંકસાર ગત સપ્તાહે જ જિલ્લા કલેક્ટરને આપી દીધો હતો. હવે આ તપાસ પૂરી થતા જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને અભિપ્રાય અપાશે અને ત્યારબાદ જિલ્લા કલેક્ટર બંને પક્ષોને સાંભળવા બોલાવે તેવી શક્યતા છે. ત્યારબાદ નિર્ણય લેવાશે તેમજ હાઈકોર્ટને પણ જાણ કરાશે. હાલના તબક્કે જે પણ બાંધકામ થયું છે તેના તમામ મુદ્દાઓમાં ટી.પી. શાખાની મંજૂરી અને તેના વાંધાઓ પણ સમાવાયા છે પણ સૌથી મહત્ત્વનો મુદ્દો શાળા સોંપણીનો હુકમ ગણાશે. બાલાજી મંદિર ટ્રસ્ટને જગ્યા સોંપવામાં આવી હતી ત્યારે તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, જગ્યાની માલિકી સરકારની રહેશે.
આ ઉપરાંત તેઓએ હયાત જે બાંધકામ છે તેનું મજબૂતીકરણ કરીને ફક્ત સંચાલન જ કરવું છે. સરકારના સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી વગર નવું કોઇ બાંધકામ કરી શકાશે નહિ આ શરત મહત્ત્વનો ભાગ ભજવે છે. તમામ શરતોની પૂર્તતા કરી શકાય છે પણ પૂર્વ મંજૂરી વગર બાંધકામ કરાશે જ નહિ તે મુદ્દો મહત્ત્વનો બનશે તેમ સૂત્રો જણાવી રહ્યા છે. આ કિસ્સામાં જિલ્લા કલેક્ટર શરતભંગની કાર્યવાહી કરી શકે આ ઉપરાંત મંજૂરીને લઈને ટી.પી. શાખાના કાગળનો જવાબ લખાય તો મનપા પ્લાન નામંજૂર કરીને ડિમોલિશનનો અભિપ્રાય આપી શકે છે.